14 દેશોના સંગઠન ની બેઠકમાં ડિઝાઈન થિંકીંગ, ઈનોવેશન – સ્ટાર્ટ અપ કોર્સની જીટીયુની ઑફર

મલેશિયામાં એપેનની બોર્ડ મિટીંગમાં દર ત્રણ વર્ષે ટેકનિકલ વર્કશોપ યોજવાનો નિર્ણય

અમદાવાદઃ એશિયા પ્રોફેશનલ એજ્યુકેશન નેટવર્ક (એપેન)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આઠમી બેઠક મલેશિયામાં યોજાઈ હતી, જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ડિઝાઈન થિંકીંગ, ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાના કોર્સમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો વચ્ચે જ્ઞાનના આદાનપ્રદાન સહિત એક્સચેન્જની ઑફર કરવામાં આવી હતી. જીટીયુ વતી આ બેઠકમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના ડિરેક્ટર ડૉ. મકરંદ કરકરેએ ભાગ લીધો હતો. એપેન એશિયાના 14 દેશોનું એવું એકમાત્ર શિક્ષણ નેટવર્ક છે કે જે ઉદ્યોગોને લગતી વર્તમાન અને ભાવિ સમસ્યાઓ હલ કરી શકે એવા વ્યાવસાયિકોને તૈયાર કરે છે.

ડિપ્લોમા અને સ્નાતક પદવીધારકો સમાજ અને ઉદ્યોગોની આવશ્યકતાને અનુરૂપ કામગીરી બજાવી શકે તેના માટે સુસજ્જ કરવા જીટીયુ તરફથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી-રેડી બનાવવા માટે જીટીયુ તેઓને ઉદ્યોગોના વિવિધ પાસાંઓનો જાતઅનુભવ લેવા પણ મોકલાવે છે. માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેઓ જાપાનની મુલાકાતે ગયા તે વખતે તેઓ ઈકોનોમિક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ફોર આશિયાન એન્ડ ઈસ્ટ એશિયાના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર પ્રો. હિદેતોશી નિશીમુરાને મળ્યા હતા. તેમણે પ્રો. નિશીમુરાને જીટીયુની પ્રવૃત્તિઓની જાણ કરી, ત્યારે તેમણે જીટીયુને એપેન સંગઠનમાં ડિરેક્ટર તરીકે સ્થાન આપવાની ઑફર કરી હતી. ત્યારબાદ એપેનની ગત બોર્ડ મિટીંગ જીટીયુ કેમ્પસમાં યોજાઈ હતી, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

ડૉ. કરકરેએ એપેનની બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે જીટીયુ ઉદ્યોગોના કર્મચારીઓને ચોક્કસ પ્રકારના કૌશલ્યોની તાલીમ આપવા વિચારી રહી છે. જેનાથી તેઓની રોજબરોજની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળે એ રીતે તેઓના કૌશલ્યોમાં વધારો થાય. જર્મનીની બોશ કંપનીના સહયોગમાં જીટીયુ કેમ્પસમાં ઓટોમેશન સહિતના અત્યાધુનિક કૌશલ્યોની તાલીમ આપવા લેટેસ્ટ સાધનસામગ્રીથી સુસજ્જ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ઓટોમેશનની સ્થાપના કરવામાં આવી છે. બેઠકમાં ઉદ્યોગ- શિક્ષણ વચ્ચે સંબંધોનો સેતુ કેવી રીતે સુદૃઢ બનાવી શકાય તેના વિશેના પરિસંવાદમાં ડૉ. કરકરેએ પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.

અહીં એ ઉલ્લેખનીય છે કે એપેન સંગઠનમાં હાલમાં 14 દેશોના સભ્યો સ્થાન ધરાવે છે અને જાપાનની એડવાન્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી ખાતે તેનું કાર્યાલય છે. એપેનના અન્ય સભ્યોમાં ભારત અને જાપાન ઉપરાંત મુખ્યત્વે ચીન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, ફિલીપાઈન્સ, બ્રુનેઈ અને મ્યાન્મારનો સમાવેશ થાય છે.

હવે પછીની-વર્ષ ૨૦૧૯ ની ડિરેક્ટરોની બેઠક માટે બ્રુનોઈ ના સુલતાન એ નિમંત્રણ આપ્યું હોઈ  બ્રુનોઈ માં યોજાશે. તથા હવે પછી જે તે દેશોની સમસ્યાઓ ના ઉકેલ માટે મદદરૂપ થાય તે માટે વિશેષ કાર્યશાળાઓ નું આયોજન પણ સમયાંતરે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના ભાગરૂપે દ્વીપો ટાપુઓ ના સમગ્ર વિકાસ અંગેની પ્રથમ કાર્યશાળા ટોકીયો જપાન નજીકના અવિકસિત ટાપુ ઉપર મે ૨૦૧૯ માં યોજાશે. જે ગુજરાતના પણ ટાપુઓ- દ્વિપોના વિકાસ માટે બહુજ ઉપયોગી નીવડશે.

Leave a comment