પડકારને અવસરમાં રૂપાંતરિત કેવી રીતે કરી શકાય તેનો બોધપાઠ પોખરણ અણુ પરીક્ષણમાંથી મળે છે

જીટીયુ અને વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી

અમદાવાદઃ પડકાર અને સમસ્યાઓનું અવસરમાં રૂપાંતરિત કેવી રીતે કરી શકાય તેનો બોધપાઠ આપણને પોખરણ અણુ પરીક્ષણમાંથી મળે છે. પોખરણ અણુપરીક્ષણ 11 અને 13મી મે, 1998ના રોજ થયું તે વખતે ત્યાં 52 ડિગ્રી સેન્ટીગ્રેડની અસહ્ય ગરમી હતી. માથા પર છત પણ ન હતી, એવા કપરા સંજોગોમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે 67 વર્ષની ઉંમરે 30 દિવસ સખત મહેનત કરી હતી. અનિલ કાકોડકર સહિતના વૈજ્ઞાનિકોએ અમેરિકાના ઉપગ્રહમાં ન પકડાય એવી રીતે અણુ પરીક્ષણ કરવાનું હતું. વૈજ્ઞાનિક પ્રદીપ કુરૂલકરે તો પોતાના પત્નીને પણ અણુપરીક્ષણની તૈયારીઓ ચાલી રહી હોવાની જાણ કરી ન હતી, એવી માહિતી પોખરણ અણુ પરીક્ષણ વિશેનું પુસ્તક  વિજય સંકેતના લેખક શ્રી શ્રીકાન્ત કાટદરેએ આપી હતી.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને વિજ્ઞાનભારતીના સંયુક્ત ઉપક્રમે 11મી મેએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં કરવામાં આવી તે પ્રસંગે સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કાટદરેએ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પ્રદીપ કુરૂલકર સાથે થયેલી વાતચીતના આધારે પુસ્તક  વિજય સંકેત લખવામાં આવ્યું છે. અમેરિકાના ઉપગ્રહમાં ક્યાંય ઝીલાય નહિ એવી રીતે ગુપ્તપણે આ મિશન પાર પાડવાનું હતું. તે સફળ થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ભારત પર આર્થિક નિયંત્રણો લાદવામાં આવ્યા છતાં આપણે ટસથી મસ થયા નહિ અને આપણી વિકાસની આગેકૂચ ટકી રહી અને હવે આપણે 104 ઉપગ્રહો તરતા મૂકવામાં સફળ થયા છીએ. દેશની યુવાપેઢીમાં સ્વદેશીની ભાવના જાગૃત કરવાની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો હતો.

વર્ષ 1991માં અણુ પરીક્ષણ થવાનું હતું પણ અકળ કારણોસર છેલ્લી ઘડીએ રદ્દ થયું હતું. ત્યારબાદ શ્રી અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા પછી તેમણે તરત જ અણુ પરીક્ષણની તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો હતો. પોખરણ અણુ પરીક્ષણની યાદમાં આપણે નેશનલ ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ. વિદ્યાર્થીઓ નોકરી ઈચ્છુક નહિ પણ નોકરી દાતા બને તે હેતુથી જીટીયુના સ્થાપના સમયથી જ ઈનોવેશન કાઉન્સિલની રચના કરી હતી. કૉલેજોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા તેમજ ઈનોવેટીવ પ્રોજેક્ટોને મંચ પૂરૂં પાડવા અને આધાર આપવા જીટીયુ પ્રયત્નશીલ છે. , એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

રાજકોટના રામકૃષ્ણ આશ્રમના સ્વામી સર્વસ્થાનંદજીએ જણાવ્યું હતું કે મેં તાજેતરમાં યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમાં 140 દેશોના પ્રતિનિધિઓ હતા. તેમાં એ જ ચર્ચા થઈ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતનું પ્રદાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. મેં યુનેસ્કોમા ઈનોવેશન કાઉન્સિલની વાત કરી હતી. તેમાં એ બાબતે પણ ચર્ચા થઈ હતી કે ડિજીટલ ક્રાંતિમાં ભારતીય એન્જીનિયરોની ભૂમિકા અગત્યની રહી છે. ગુગલ હોય કે માઈક્રોસોફ્ટ કે પછી નાસા બધે ભારતીયો ઉચ્ચ પદો પર કાર્યરત છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે ઘણી પ્રગતિ કરી છે, પણ સમાજની સમસ્યાઓ હલ કરવામાં તે ઉપયોગી બને તો જ તે સાર્થક ગણાય.

હવાની ગુણવત્તા માપન માટેના સફર પ્રોજેક્ટના ડાયરેક્ટર ડૉ. ગરફાન બેગે રૂ. દસ કરોડના ખર્ચે અમદાવાદમાં હાથ ધરવામાં આવનારા પ્રોજેક્ટની જાણકારી આપી હતી. વિજ્ઞાન ભારતીના ગુજરાત એકમના વડા વિદ્યાધર વૈદ્યે જણાવ્યું હતું કે દેશભરમાં સ્વદેશી સાયન્સ મુવમેન્ટ હાથ ધરવાની આવશ્યકતા છે. તેના માટે સંસ્થાના રજત જયંતી કાર્યક્રમો યોજાશે. અમારો મૂળ હેતુ વિજ્ઞાનનો ઉપયોગ વિકાસ અને માનવતાવાદી અભિગમ માટે કરવાનો છે.

આ પ્રસંગે જીટીયુ સંલગ્ન કૉલેજોના પ્રિન્સીપાલો, ઈનોવેશન ક્લબોના કો-ઓર્ડિનેટરો, ઈનોવેટીવ પ્રોજેક્ટો બનાવનાર વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ શરૂ કરનાર વિદ્યાર્થીઓ અને અન્યો ઉપસ્થિત હતા. સમારોહમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના નવા કાર્યક્રમો અને ઈનોવેશન પોલિસી તેમજ સ્ટાર્ટ અપ નીતિ તથા જીટીયુના ટેકનોલોજી વિષયક અન્ય કાર્યક્રમોની રૂપરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.  જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ તરફથી કૉલેજોને વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોને યોગ્ય મંચ મળે એવી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને એન્જીનિયરીંગની ડિગ્રી-ડિપ્લોમા સહિતની 120થી વધુ કૉલેજોએ ઈનોવેશન ફેર અને ઓપન હાઉસ યોજ્યા હતા. જેમાં અંદાજે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના 1500 ઈનોવેટીવ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા. તેની સમીક્ષા ઉદ્યોગજગત અને શિક્ષણજગતના નિષ્ણાતોએ કરી હતી. આ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક હાથ ધરનાર રાજ્યભરની જીટીયુ સંલગ્ન કૉલેજોનું રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s