60 સ્પર્ધાઓ, રૂ. પાંચ લાખના ઈનામો વચ્ચે જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ અભૂતપૂર્વ બની રહેશે

 

  • મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે 30મી માર્ચે ભવ્ય ઉદઘાટન
  • એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજ અને એલ.એમ. ફાર્મસી કૉલેજ યજમાન
  • મશીન લર્નિંગથી માંડીને બ્લુ ટુથ રોબોટીક્સ સહિતના અનેક વર્કશોપ
  • સ્ટાર્ટ અપ સમીટ અને ટેક-એક્સ્પો જેવા પ્રોજેક્ટ આધારિત કાર્યક્રમો

અમદાવાદઃ વર્ષ 2017નો જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈતિહાસમાં અનેક રીતે અભૂતપૂર્વ બની રહેશે. આગામી 30 અને 31મી માર્ચના રોજ યોજાનારા આ મેગા ટેકનોલોજી મહોત્સવનું ઉદઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. આ વખતે ટેકફેસ્ટનું યજમાનપદ એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ અને એલ.એમ. ફાર્મસી કૉલેજ સંયુક્તપણે સંભાળી રહ્યા છે.

પહેલીવાર કવૉડકોપ્ટર રેસનો સમાવેશ

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે ટેકફેસ્ટમાં 40 ટેકનિકલ અને 20 નોન-ટેકનિકલ સહિતની કુલ 60 સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સ્પર્ધાઓ મુખ્યત્વે એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસી કૉલેજોના વિદ્યાર્થીઓને આવરી લેશે. ટેકફેસ્ટ 2017માં પહેલીવાર કવૉડકોપ્ટર રેસનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કવૉડ એવિયેટર નામ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત રેસિંગ કાર સ્પર્ધા-એટીવી ચેમ્પિયનશીપ 4.0 ટેકફેસ્ટનું મુખ્ય આકર્ષણ બની રહેશે. વિદ્યાર્થીઓના ટેકનિકલ અને સાંસ્કૃતિક તથા અન્ય કૌશલ્યો વિકાસ પામે તેના માટે મોટાપાયે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વિવિધ સ્પર્ધાઓના મળીને કુલ રૂ. પાંચ લાખના ઈનામો રાખવામાં આવ્યા છે.

પ્રદર્શનો, પ્રોફેશનલ લેક્ચરો અને વર્કશોપ

ટેકફેસ્ટમાં પ્રદર્શનો, પ્રોફેશનલ લેક્ચરો અને વર્કશોપ પણ યોજવામાં આવશે. કોન્ફેબ 17 અતર્ગત યોજાનારી વ્યાખ્યાનમાળામાં દેશભરના નિષ્ણાતો વક્તવ્યો આપશે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેઓને માર્ગદર્શન પૂરૂં પાડશે. આ પ્રસંગે સ્ટાર્ટ અપ સમીટ અને ટેકએક્સપો જેવા પ્રોજેક્ટ આધારિત કાર્યક્રમો પણ યોજવામાં આવશે. લેટેસ્ટ ટેકનોલોજી અને વિશ્વના અત્યાધુનિક ટ્રેન્ડ પર આધારિત વિષયો જેવા કે ગેમ ડેવલપમેન્ટ, મશીન લર્નિંગ, બ્લ્યુટુથ રોબોટીક્સ, ડિજીટલ માર્કેટીંગ, પર્સિસ્ટન્સ ઑફ વિઝન વગેરે પર આધારિત વર્કશોપ પણ આ ટેકફેસ્ટનો હિસ્સો બની રહેશે, એમ એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.જી.પી. વડોદરીયાએ જણાવ્યું હતું.

વિવિધ રાષ્ટ્રીય અભિયાનો સાથે તાલમેલ

માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન અને ડિજીટલ ઈન્ડિયા સહિતના અભિયાનોને આ ટેકફેસ્ટમાં આવરી લેવામાં આવશે. આ ટેકફેસ્ટનો મૂળ હેતુ તાલુકા સ્તરના અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને રાજ્યસ્તરીય મંચ પૂરૂં પાડીને તેઓની પ્રતિભા ઝળકાવવાનો પ્રયાસ કરવાનો છે. વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટો રાજ્યસ્તરે ચમકે તો તેઓને પ્રોજેક્ટમાંથી પ્રોડક્ટમાં રૂપાંતર કરવા સુધીની પ્રક્રિયામાં આગળ વધવાની તક મળી શકે એવા અભિગમને આ ટેકફેસ્ટમાં આવરી લેવામાં આવશે, એમ જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય શ્રી અમિત ઠાકરે કહ્યું હતું.

ફાર્મસીની 6 સ્પર્ધાઓ અને કાર્યક્રમો

આ ટેકફેસ્ટ અંતર્ગત ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે યોજાનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ વિશે એલ.એમ. ફાર્મસી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. એમ.ટી. છાબરીયાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફાર્મસીમાં પોટેન્શિયા, ફાર્મા મોડેલિંગ, ફાર્મારેસિપી, પિક્સનોવેશન, માયસેલ્ફ-મેડિકેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન વગેરે કાર્યક્રમો યોજાશે. પોટેન્શિયા અંતર્ગત ફાર્મસીમાં તાજેતરના સંશોધનો વિશે ચર્ચાવિચારણા કરવામાં આવશે. ફાર્મા મોડેલિંગમાં ઈનોવેટીવ મોડેલો રજૂ કરવામાં આવશે. ફાર્મા રેસિપીમાં ટૂંકા ગાળામાં ઓછામાં ઓછા ઘટક દ્રવ્યો સાથે કેવી રીતે યોગ્ય ડોઝ બનાવવો તેની જાણકારી આપવામાં આવશે. પિક્સનોવેશનમાં ફાર્માસ્યુટીકલ સાયન્સમાં ટેકફેસ્ટની ટીમને અપાયેલા થીમ પર આધારિત લાઈવ ઓબ્ઝર્વેશનના ફોટો લેવા જણાવવામાં આવશે. માયસેલ્ફ-મેડિકેશન અંતર્ગત વ્યક્તિએ પોતે જે દવા લેતા હોય તેના વિશે બોલવાનું રહેશે.

દેશભરમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે

સમગ્ર ગુજરાત ઉપરાંત દિલ્હી, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રાધ્યાપકો અને નિષ્ણાતો મોટી સંખ્યામાં ભાગ લેશે. વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો માટે રોજેરોજ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

ઝોનલ ટેકફેસ્ટ

જીટીયુ દર વર્ષે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વલ્લભ વિદ્યાનગર એ પાંચ ઝોનમાં ઝોનલ ટેકફેસ્ટનું આયોજન કરે છે. અમદાવાદ ઝોનમાં જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં યોજાયો હતો, જેમાં 3770 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગાંધીનગર ઝોનનો જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ આદિશ્વર કૉલેજ ઑફ ટેકનોલોજી – વિનસ ખાતે યોજાયો હતો, જેમાં 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સુરત ઝોનનો જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ 6 અને 7મી માર્ચના રોજ સી.કે. પીઠાવાલા કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી તથા સી.કે. પીઠાવાલા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટીકલ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે યોજાયો હતો. તેમાં 5067 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. રાજકોટ ઝોનનો જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ 7 અને 8 માર્ચના રોજ ભુજની સરકારી એન્જીનિયરીંગ કૉલેજમાં યોજાયો હતો, તેમાં 2218 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s