વાસદની એસવીઆઈટીમાં જીટીયુના વાઈસ ચાન્સેલરનું પ્રેરક ઉદબોધન
અમદાવાદઃ વિદ્યાર્થીઓએ ફક્ત અભ્યાસ પર જ ધ્યાન આપવાને બદલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા તેમજ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ, એવી સલાહ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે વિદ્યાર્થીઓને આપી હતી. વાસદની સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી (એસવીઆઈટી)ના 20મા વાર્ષિકોત્સવ મલ્હારમાં તેમણે પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે લિન્ડે એન્જીનિયરીંગના જનરલ મેનેજર શ્રી કલ્પેશ શાહ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા.
કૉલેજના વાર્ષિકોત્સવ સમારોહમાં ન્યૂ ઈંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે પ્રો. (ડૉ) શેઠે પોતાના જીવનના અનુભવો વર્ણવીને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બને એવું વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને એનસીસી, એનએસએસ કે ટેકફેસ્ટ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા અનુરોધ કર્યો હતો. સમારોહને સંબોધિત કરતા કલ્પેશ શાહે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. જયેશ દેશકરે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. સમારોહમાં 150થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને કૉલેજના સ્ટાફની હાજરીમાં સાંસ્કૃતિક અને અન્ય વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.