ભારત અને લેટીન અમેરિકા વચ્ચે ફાર્મસી અને આઈટી ક્ષેત્રે વેપાર વિકસાવવાની વિપુલ તકો

ઈક્વાડોર, મડાગાસ્કર, ઈટાલી અને દુબઈમાં બિઝનેસ વિશે જીટીયુમાં પરિસંવાદ યોજાયો

અમદાવાદઃ ભારત અને લેટીન અમેરિકા વચ્ચે ફાર્મસી અને આઈટી ક્ષેત્રે વેપાર વિકસાવવાની વિપુલ તકો છે. બીજી બાજુ લેટીન અમેરિકા તરફથી ભારતમાં થતી નિકાસમાં વાર્ષિક 4.56 ટકાના દરે વધારો થાય છે. જેમાં બ્રાઝીલ અને મેક્સિકો ભારતમાં સૌથી વધુ નિકાસ કરે છે. ફાર્મસીમાં ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમતની પ્રોડક્ટો, ટેકનોલોજી ટ્રાન્સફર, ઈક્વાડોરના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તાલીમ તેમજ સ્થાનિક ફાર્મા ઉદ્યોગમાં મૂડારોકાણ જેવી તકો તેમાં રહેલી છે, એમ તે દેશના કોન્સલ જનરલ હેક્ટર ક્યુવા જેકોમે આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી યોજવામાં આવેલા એક સેમિનારમાં જણાવ્યું હતું.

જીટીયુના સેન્ટર ફોર ગ્લોબલ બિઝનેસ સ્ટડીઝ તરફથી ઈક્વાડોર, મડાગાસ્કર, ઈટાલી અને દુબઈમાં બિઝનેસની તકો વિશે પરિસંવાદ યોજાયો હતો. તે કાર્યક્રમમાં ઈક્વાડોર, મડાગાસ્કર અને ઈટાલીના નેશનલ ડેની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટની શ્રી સનશાઈન એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રુપ ઑફ ઈન્સ્ટિટ્યુટ્સ, ગાંધીનગરની શ્રી જયરામભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, જૂનાગઢની શ્રી બ્રહ્માનંદ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ અને અમદાવાદના ઓકબ્રુક બિઝનેસ સ્કૂલના આશરે 150થી વધુ વિદ્યાર્થીઓએ તેઓને સોંપવામાં આવેલા દેશો વિશે કરેલા અભ્યાસ અંગે પ્રેઝન્ટેશન આપ્યા હતા.

આ પ્રસંગે કોન્સલ જનરલે કહ્યું હતું કે ભારતની કુલ રાષ્ટ્રીય ઉપજ (જીડીપી) 2100 અબજ ડૉલર છે, જે વિશ્વના અર્થતંત્રનો 3.34 ટકા હિસ્સો છે. વર્ષ 2030 સુધીમાં ભારત 10,000 અબજ ડૉલરના જીડીપી સાથે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની જવાની આશા છે. હાલમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ છે. વર્ષ 2016ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર 7.9 ટકા વિકાસ પામ્યું છે. ભારતમાં 1.3 અબજની વસતિ છે, જે વિશ્વની કુલ વસતિનો 18 ટકા હિસ્સો છે. આગામી બે દાયકામાં ભારતના મધ્યમ વર્ગની આવકમાં ત્રણગણો વધારો થવાનો અંદાજ છે. આવા સંજોગોમાં ભારત અને લેટીન અમેરિકા વચ્ચે વેપાર વિકસાવવાની બહોળી તકો છે. સેમિનારમાં મડાગાસ્કરના દુતાવાસના અધિકારીઓ- રાઓલોના ડેનિયલ અને રામીયાન્ડ્રીસોઆ વોલોલોનિયોની પણ ઉપસ્થિત હતા.

પરિસંવાદમાં ઉપસ્થિત ઉદ્યોગજગતના નિષ્ણાત જગત શાહે એમબીએના વિદ્યાર્થીઓને જમાના સાથે તાલ મિલાવીને લિંક્ડઈન પ્રોફાઈલ તથા વિડીયો સીવી બનાવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં એવી કહેવત છે કે તમને કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે તો વાંધો નહિ પણ તે કાર્ય વહેલું શરૂ કરેલું હોવું જોઈએ. ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિ મધ્યમ વર્ગીય પરિવારના હતા. તેમના પિતાજી શિક્ષક હતા. નારાયણ મૂર્તિએ પોતાની કારકિર્દીની શરૂઆત આઈઆઈએમમાં ચીફ સિસ્ટમ પ્રોગ્રામર તરીકે કરી હતી. વર્ષ 1981માં તેમણે છ વ્યક્તિઓ સાથે 250 અમેરિકન ડૉલરના રોકાણથી ઈન્ફોસીસની સ્થાપના કરી તેમાં મોટાભાગની રકમ તેમના પત્ની પાસેથી ઉછીના લીધેલા નાણામાંથી હતી. તેઓ હંમેશા કહેતા કે નિષ્ફળ જવાનો ડર રાખ્યા વિના કામની શરૂઆત કરો.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે એમબીએના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલા દેશો વિશે સંપૂર્ણપણે સમર્પણના ભાવથી સઘન અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે શોર્ટકટથી તમારી તકો પર કાપ મૂકાઈ શકે છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રોફેસર ફાધર વાલેસ મૂળ સ્પેનમાં જન્મ્યા હતા. તેઓ પાંચ દાયકા ભારતમાં રહ્યા અને ગુજરાત વિશે ઊંડાણપૂર્વક એટલો અભ્યાસ કર્યો કે તેમણે લખેલા પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં અવિસ્મરણીય બની ગયા છે. ભારત 17મી સદીથી વેપારમાં અગ્રેસર છે. લિસ્બનથી ભારતની શોધમાં નીકળેલા વાસ્કો ડી ગામાએ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે હું જ્યારે આફ્રિકાના સાગરકાંઠે કેપટાઉન પહોંચ્યો ત્યારે મને ત્યાં એક શ્રીમંત કચ્છી વેપારી મળ્યા જેમણે મને ભારતનો દરિયાઈ રૂટ બતાવ્યો હતો. તે જમાનાથી ભારતના મસાલા અને હીરાનો વેપાર થતો હતો. વિદ્યાર્થીઓએ આવી બધી બાબતોનો રસપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.

આ કાર્યક્રમમાં સેન્ટરના સલાહકારો – કે.એચ. પટેલ અને સુનીલ મોદીએ પોતાના વિચારો અને વિદેશના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય ડૉ. સી.એન. પટેલ પણ ઉપસ્થિત હતા. જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર જે.સી. લિલાણીએ કાર્યક્રમના પ્રારંભે બધાનું સ્વાગત કર્યું હતું. આભારવિધિ ડૉ. કૌશલ ભટ્ટે કરી હતી.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s