ઉદ્યોગોના સહયોગથી 10 કૉલેજોમાં ટેલિકોમ સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થપાશે

સરકાર-ઉદ્યોગો-શિક્ષણના સમન્વયનો જીટીયુનો નવતર અભિગમઃ વાઈસ ચાન્સેલર

અમદાવાદઃ આજનો દિવસ જીટીયુના ઈતિહાસમાં નોંધપાત્ર બની રહેશે. ભારતમાં સૌપ્રથમ લેટેસ્ટ સાધનસામગ્રીથી સુસજ્જ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ઓટોમેશનની સ્થાપનાના ભાગરૂપે એકસાથે પાંચ અત્યાધુનિક લેબોરેટરીનું ઉદઘાટન થયું છે. આ હાઈ ટેક લેબ અંદાજે રૂ. છ કરોડના ખર્ચે બની છે. તેની નિર્માણમાં જર્મન કંપની બોશ-રોક્સરોથના ભારતીય એકમ તરફથી આપવામાં આવેલો સિંહફાળો ખરેખર પ્રશંસનીય છે, એમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું.

તેમણે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજમાં યોજાયેલા ઉદઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે મિકેનિકલ એન્જીનિયરીંગ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અને મેકાટ્રોનિક્સ શાખાના વિદ્યાર્થીઓ માટે આ પાંચેય લેબ આશિર્વાદરૂપ બની રહેશે. તમારી આસપાસની સામાજીક સમસ્યાઓ કે ઉદ્યોગોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તે સમસ્યા ટેકનોલોજીની મદદથી કેવી રીતે હલ કરી શકાય તેનો સતત વિચાર કરો. આવું કરશો તો ઈનોવેટીવ પ્રોજેક્ટ આપોઆપ તૈયાર થશે. ગુજરાત સરકાર વતી હું તમને બધાને એ ખાતરી આપું છું કે જો તમારા પ્રોજેક્ટ સમાજ ઉપયોગી કે ઉદ્યોગોને કામ આવે એવા હશે તો તમારે ભંડોળની ચિંતા કરવાની જરૂર નહિ રહે. જીટીયુ ગુજરાત સરકારની સ્ટાર્ટ અપ નોડલ એજન્સી છે. તમારા ઈનોવેટીવ આઈડિયા સાથે અમને જીટીયુ મારફતે અરજી મોકલશો તો તમને સ્ટાર્ટ અપની તાલીમ પણ મળશે અને જરૂરી ફંડ પણ મળી રહેશે.

સમારંભમાં જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ) નવીન શેઠે એવી જાહેરાત કરી હતી કે સ્કીલીંગ ઈન્ડિયા મિશન અંતર્ગત ટૂંકા ગાળાના બ્રિજ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે યોજના અંતર્ગત દરેક ઝોનની બબ્બે કૉલેજોમાં જીટીયુ ટેલિકોમ સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. ગુજરાત સરકાર અને તેજસ નેટવર્ક કંપનીના સંયુક્ત સહયોગથી જીટીયુના દસ સેન્ટરો સ્થાપવામાં આવશે. આમાં સરકાર-ઉદ્યોગો-શિક્ષણના સમન્વયનો નવતર અભિગમ છે. જીટીયુ વેલ્ડીંગ સેન્ટર ઑફ એક્સેલન્સ કીપસેક કંપનીના સહયોગથી એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજમાં સ્થાપવાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે અને ટૂંકસમયમાં તે સેન્ટરનું ઉદઘાટન પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કૌશલ્યોથી સુસજ્જ બનાવવા ટૂંકા ગાળાના કોર્સ ધરાવતા આ સેન્ટરોનું નિર્માણ કરવામાં આવશે. આ સેન્ટરો સ્થાપવામાં 75 ટકા ભંડોળ સરકાર પૂરૂં પાડે છે, જ્યારે 25 ટકા ફંડ ઉદ્યોગો પાસેથી મેળવવામાં આવે છે.

બોશ-રોક્સરોથ-ઈન્ડિયા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર હેન્સ બેંગર્ટ અને તે કંપનીના ડિરેક્ટર દિપક ચેલાણી સેન્ટરની પાંચ અદ્યતન લેબોરેટરીના ઉદઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. બેંગર્ટે

જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ઉદ્યોગજગત ઓટોમેશનની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે અહીં શિક્ષણસંસ્થામાં પણ આઈ 4.0ની લેટેસ્ટ ઓટોમેશન ટેકનોલોજીનો અભ્યાસ વિદ્યાર્થીઓ કરી શકશે. ખાસ કરીને વિશ્વકર્મા કૉલેજમાં એન્જીનિયરીંગમાં વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહી છે તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. મૂળ જર્મનીની એવી બોશ કંપની ઓટોમેટેડ ટ્રેક્ટર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરી રહી હોવાનો અણસાર તેમણે આપ્યો હતો. તેમણે અમદાવાદ નજીકના સાણંદ અને બૅંગ્લોરના એકમોને વિકસાવવાની યોજના હોવાના સંકેત આપ્યા હતા. બૅંગ્લોરમાં હાઈડ્રોલિક અને ઈલેક્ટ્રીકલ સાધનો બનાવવા અને સાણંદમાં માર્કેટીંગથી માંડીને અન્ય સેન્ટરો બનાવવામાં આવશે. બોશ કંપની વીજળી, કૃષિ અને ટ્રાન્સપોર્ટ ખાસ કરીને રેલવેમાં મોટાપાયે આવી રહી હોવાના અને કંપનીને મેઈક ઈન ઈન્ડિયા પ્રોગ્રામમાં રસ હોવાનો અણસાર પણ તેમણે આપ્યો હતો.

ઈસરોના નાયબ નિયામક ડૉ. નિલેશ દેસાઈએ ચંદ્રયાન-2 અંતર્ગત મુન રોવર પ્રોગ્રામમાં મેકટ્રોનીક અને રોબોટિક્સનો ઉપયોગ કેવી રીતે થશે તેની સમજ આપી હતી. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે ઈસરો જીટીયુના સહયોગમાં સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેક્ટો હાથ ધરશે. આ સેન્ટર અંતર્ગત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ઈજનેરી ક્ષમતા વધારવા, ઉદ્યોગ સાહસિક બનવા તેમજ રોજગારી માટે જરૂરી જ્ઞાન અને તાલીમ હેન્ડ્સ ઓન એક્સપેરીમેન્ટ સાથે  પૂરું પાડવામાં આવશે. એકસાથે 84 વિદ્યાર્થીઓને તાલીમ આપી શકાય એવી તેની ક્ષમતા રહેશે, એમ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના પ્રિન્સીપાલ અને જીટીયુના ડિરેક્ટર ડૉ રાજુલ ગજ્જરે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણીએ આભારવિધિ કરી હતી.

આ પાંચ હાઈ ટેક લેબનાં નામ નીચે મુજબ છેઃ

  • ન્યુમેટિક લેબ
  • હાઇડ્રોલીક લેબ
  • પી.એલ.સી. લેબ
  • સેન્સરીક લેબ
  • મેકટ્રોનીક અને રોબોટિક લેબ
  • 31837659204_64137d4b59_o 31868278743_c1d3bc050d_o 32558397061_945dcd0ab5_o
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s